કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા

૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા

જયન્ત પાઠક

બપોર, વળી ગ્રીષ્મનો, ધગધગી ઊઠ્યું ભાઠું આ
વિશાળ નદીનું, ન હિંમત હવાનીયે આવવા
બહાર નદીનાં જલો પર સવાર થૈ ખેલવા,
ન પંખી ઊડતું, ન કે ટહુકતું... શી મૂર્છાદશા!
તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી,
શિલા શું જલમાં નિરાંત કરી ભેંસખાડું પડ્યું,
રમે ડૂબકીદાવ નીલ જલ મધ્ય ગોવાળિયા,
ભીની તટની રેતમાં વિકલ હાંફતા કૂતરા.

ઢળે સૂરજ પશ્ચિમે, નદી જલે દ્રુમો, ભેખડો–
તણા તિમિરજાળ શા ઢળત સાંધ્યઓળા, અને
ઊઠી, મરડી અંગ વાયુ જલના તરંગે તરે
ઊડે ટહુકતાં વિહંગ, નભપૃથ્વી મૂર્છા ટળે,
નજીક ઘરમાંથી બેડું લઈ ગ્રામસ્ત્રી સંચરે,
વહેણ મહીંથી ઘટે સૂરજદીધું સોનું ભરે.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૧૭)