કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૯. નવાં કલેવર ધરો!


૩૯. નવાં કલેવર ધરો!

ઝવેરચંદ મેઘાણી

[ભજન]
નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયાં ધરો
હંસલા! નવાં કલેવર ધરો.

મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો;
કણ સાટે છો ચૂગો કાંકરી, કૂડનાં બી નવ ચરો
હંસલા! નવાં કલેવર ધરો.

ગગન-તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય તું ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો.

અધૂઘડી આંખે જોયું તે સૌ પૂરણ દીઠું કાં ગણો!
આપણ દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો!
હંસલા! નવાં કલેવર ધરો.

રાત પડી તેને પરોડ સમજી ભ્રમિત બા’ર નીસર્યો,
હવે હિંમતમાં રહો જી રુદિયા! અનહદમાં સંચરો
હંસલા! નવાં કલેવર ધરો.

૧૯૩૬
[કવિના તંત્રીપદે ‘ફૂલછાબ’ના પહેલા અંકમાં. ૨૧-૧૧-૧૯૩૬]
(સોના-નાવડી, પૃ. ૩૦૪)