કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૧. સમશેર તારી ભોંઠી પડી રે


૪૧. સમશેર તારી ભોંઠી પડી રે

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ‘ભેટે ઝૂલે છે તલવાર’]
ભોંઠી પડી રે સમશેર
રાણાની તેગ ભોંઠી પડી રે
દીઠી મીરાંને ઠેર ઠેર
સમશેર તારી ભોંઠી પડી રે.

લૂંટી શક્યો ન એનું દિલડું એ ઝાળથી
કાયો ગુજારી બધા કેર
સમશેર તારી ભોંઠી પડી રે.

જીતી શક્યો ન એનું દિલડું એ ઝાળથી
નિંદા વાવી તેં ઘેર ઘેર
સમશેર તારી ભોંઠી પડી રે.

કાળી નિંદાનાં રૂડાં કાજળ આંજી કરી
થૈ થૈ નાચી એ ઠેર ઠેર
સમશેર તારી ભોંઠી પડી રે.

ઝેરના કટોરા તારા પી કરીને પાગલી
પામી ગૈ પ્રભુતાની લે’ર
સમશેર તારી ભોંઠી પડી રે.

ખૂટી તદબીર સર્વ, ખેંચી તલવાર-ધાર
તૂટ્યો બેભાન જાર પેર
સમશેર તારી ભોંઠી પડી રે.

એકલડી ભાળી ને ભાળી આયુધહીન
કરવા ઊઠ્યો તું જેર જેર
સમશેર તારી ભોંઠી પડી રે.

ઊભો શું મૂઢ હવે દેખી અણપાર રૂપ!
ચરણે નાખી દે સમશેર
સમશેર તારી ભોંઠી પડી રે.

‘મા! મા! હે મા!’ વદીને ઢાળી દે માથડાં
માગી લે જનતાની મ્હેર
સમશેર તારી ભોંઠી પડી રે.

જુગ જુગથી અમ્મર બેઠી છે એ-ની એ મીરાં
એને છે ઈશ્વરની ભેર
સમશેર તારી ભોંઠી પડી રે.

૧૯૩૮
રાજકોટ પ્રજા-સત્યાગ્રહને ઉદ્દેશીને રચાયું હતું. મીરાંને પ્રજા રૂપે સદા વિદ્યમાન કલ્પી છે.
(સોના-નાવડી, પૃ. ૭૧)