કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૮. માની યાદ


૪૮. માની યાદ

ઝવેરચંદ મેઘાણી

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય;
હુતુતુતુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય –
મા જાણે હીંચકોરતી વઈ ગઈ,
હાલાંના સૂર થોડા વેરતી ગઈ. – કોઈ દીo

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા –
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા,
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ. – કોઈ દીo

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું;
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દૃગ ચોડતી ગૈ.

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.

૧૯૪૪
રવીન્દ્રનાથના કાવ્ય ‘મને પડા’ પરથી.
(સોના-નાવડી, પૃ. ૨૫૮)