કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૯. સાંજનો તડકો


૨૯. સાંજનો તડકો

નલિન રાવળ

વન્ય ચિત્તા-શો ભભકતો
સાંજનો તડકો
હવામાં દેહ તોળી બારીમાં કૂદ્યો
તીખી ઊંડી તરસથી
ઓરડે ઘૂમી
છટામાં ડોલતો ચોફેર પથરાયો
ફરી
શો તંગ સ્નાયુથી તણાતો પીઠ ઘસતો
ઘુર્ઘુરાટી ઘૂંટતો
ઊઠ્યો
નજર ચૂકવી કૂદ્યો લપક્યો
ત્વરામાં બ્હાર
બારીની અને (અંદર) ઊંડે પથરાઈ રહેલા
ગાઢ વનમાં ત્રાડતો ચાલ્યો ગયો.
(અવકાશપંખી, પૃ. ૮૪)