કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૮. સિંહ


૧૮. સિંહ

નલિન રાવળ

તારક તગી અંધાર ઘૂંટી રાત્રિનું આકાશ
એની
આંખમાં આબદ્ધ
તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ
આભ પ્હોળાં વેગીલાં વર્તુળ
લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અવકાશ-વનની બ્હાર
ઊભો
યાળ ઊછળે સાત સાગર પાર
વીંઝી કાય વહ્‌નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી
કૂદ્યો
તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી
છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી
ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અવકાશ-વનમાં લુપ્ત
તગંતાં રક્તમાં મારા
તગંતાં
સિંહપગલાં... સિંહપગલાં... સિંહપગલાં...
(અવકાશપંખી, પૃ. ૩૭)