કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૪. કોઈ ક્યાંક ઊભું છે


૩૪. કોઈ ક્યાંક ઊભું છે

નલિન રાવળ

પ્રેયસી?
ના,
તું નહીં.
મિત્ર?
ના,
તુંયે નહીં.
ના પ્રેયસી, ના મિત્ર, ના કોઈ નહીં.
પણ
કોઈ ક્યાંક ઊભું છે.
આ બળતા અવાજોથી ભર્યાં બળતા નગરની
બ્હાર
મારી કામનાના
આભથી પૃથ્વી લગી પથરાયેલાં રેતીરણોની
બ્હાર
અણજાણ ઓળાઓભર્યા અવકાશનીયે
બ્હાર
રણકે એક ગેબી સૂર

સૂરનીયે પાર
ઊભું કોઈ
આ સૂર્યભીના દિવસના ને ચન્દ્રભીની રાત્રિના પર્દા પૂંઠે
ક્યાંક
ઊભું કોઈ
કોઈ ક્યાંક મારી રાહ જુએ છે.
(અવકાશપંખી, પૃ. ૧૫૩)