કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૦. ઘડીક સંગ

૧૦. ઘડીક સંગ

નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!

૧૯૪૬

(બૃહદ છંદોલય, પૃ. ૫૫)