કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો

૧૩. હરી ગયો

નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ મીઠું?

રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૯૨)