કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૮. કલાકોથી

૨૮. કલાકોથી

નિરંજન ભગત

કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ,
ના, ના, આટલો કઠતો ન’તો ઉકળાટ.
શો મોટ્ટા અવાજે એકસૂર રસહીન લાંબા
કોઈ ભાષણના સમો દે ત્રાસ.
બારીબારણાં સૌ બંધ,
આખા ખંડમાં વ્યાપી વળી ભીનાશ
ને રૂંધે અખંડિત ખંડનું એકાંત, હું આંખો છતાંયે અંધ.
ઠંડકમાં સરી ચારે દીવાલો,
જેમ બુઢ્ઢાપે ઠરે છે જિંદગીના મસ્ત ખ્યાલો;
વસ્ત્ર સૌ ખીંટી પરે લીલાં,
હજુ આ દેશમાં જેવાં મનુષ્યોનાં વદન વીલાં;
અને પોચાં પડ્યાં સૌ મેજ પરનાં પુસ્તકોનાં પાન,
જેવાં લય વિનાનાં ગાન;
કેવું બધું નિર્જીવ તે સૌ ભેજથી આજે છવાઈ ગયું,
ને હૂંફથી ધડકી રહ્યું હૈયુંય તે આજે હવાઈ ગયું!
૧૯૫૬

(બૃહદ છંદોલય, પૃ. ૧૯૩)