કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૫. કોલાબા પર સૂર્યાસ્ત

Revision as of 15:48, 9 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૩૫. કોલાબા પર સૂર્યાસ્ત

નિરંજન ભગત

કાફે રૉયલનાં હજીય ખખડે પ્યાલા રકાબી છરી
કાંટા કાનમહીં, હજીય રણકે મ્યૂઝિયમતણી ટ્રામના
ઘેરા ઘર્ઘર નાદ (ચક્ર ગતિમાં), આ શ્હેરની કામના
આમંત્રે ફૂટપાથ પે અરવ ર્‌હૈ જે મંદ નારી સરી
એને અંગ અસહ્ય વાસ વહતી (ચિત્તે અસંતોષની)
કેવી નાકમહીં હજીય ચચરે, ત્યારે વળી સંપથી
ઍપોલો ફરતાં અનેક યુગલો જોતાં થયા કંપથી
ધ્રૂજે અંગ હજી, દૃગે રીગલની આંજી હજી રોશની,
ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો,
જાણે સ્તબ્ધ થતો થીજે પવન શું, ને અબ્ધિ તો કાચનો,
શૂન્યત્વે સઘળું ડૂબે તિમિરમાં સંસાર આ સાચનો,
રૂંધાતા શ્વસને, મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો,
આખાયે નભવિસ્તર્યાં તિમિરનાં ર્‌હૌં દ્વારને ઠેલતો,
રે ત્યાં કોણ મને ‘હું’માં, મુજ જગે પાછો જ હડસેલતો?

(બૃહદ છંદોલય, પૃ. ૨૧૯)