કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૧. માઘની પૂર્ણિમા

૪૧. માઘની પૂર્ણિમા

નિરંજન ભગત

માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર
શો ચાલતી મધ્યાકાશમાં મંદ મંદ!
ટાઢમાં થરથરે,
કિન્તુ કોને જઈ કરગરે?
બંધ સૌ બારી ને દ્વાર,
ર્હે કોણ તે આ સમે બ્હાર?
ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો
ત્યાં ઘટામાં પડ્યો ર્હેત
આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!
કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી
ડાળ પકડી અને આભ ચડવા જતો
ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,
તે હજુય છે મુખ પરે નખક્ષતો!
શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય,
પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!
આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!
ચિત્ત આ સ્વચ્છ છે. ચાંદની જો રસે!

૧૫-૨-૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૪૭)