કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૨. બે પાય ધરવા જેટલી

૪૨. બે પાય ધરવા જેટલી

નિરંજન ભગત

બે પાય ધરવા જેટલી
મારે જગા બસ જોઈએ,
એથી વધારે તો હજી
ક્યારેય તે રોકી નથીને કોઈએ!
જ્યાં જ્યાં ફરું,
ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો — બે પાય
તે જ્યાં જ્યાં ધરું
ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય
તે મારી!
અને બાકી રહી જે સૃષ્ટિ સારી
તે હશે કોની મને પરવા નથી,
ને એકસાથે બે જગા પર
પાય તો ધરવા નથી.

૨૯-૩-૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)