કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૭. સર્પ? કે રજ્જુ? કે બન્ને?

Revision as of 07:21, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. સર્પ? કે રજ્જુ? કે બન્ને?| નિરંજન ભગત}} <poem> મધરાતે તમે અચાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૭. સર્પ? કે રજ્જુ? કે બન્ને?

નિરંજન ભગત

મધરાતે
તમે અચાનક મારા શયનખંડમાં આવ્યા,
તમે મને પૂછ્યું, ‘જાગો છો કે?’
મેં કહ્યું, ‘હા.’
પછી તમે મને પૂછ્યું, ‘કંઈ વાંચવું છે?’
મેં કહ્યું, ‘હા.’
તમે મારા હાથમાં પુસ્તક ધર્યું,
‘સર્પ અને રજ્જુ’,
ને મારા હોઠ પર ચુંબન કર્યું,
પછી તમે તરત જ ચાલ્યા ગયા.
હજુ હું એ ચુંબન વાંચી રહ્યો છું.
એ પછીની મધરાતે
તમે અચાનક ફરી મારા શયનખંડમાં આવ્યાં,
અને માત્ર આટલું જ કહ્યું,
‘મારા પ્રેમમાં વિલંબિત લય છે,
એનો તમને ભય છે?’
પછી તમે કહ્યું,
‘મારી વય વધતી જાય છે,
મારી અધીરતા પણ. પણ...’
પછી તમે અરધે વાક્યે જ ચાલ્યા ગયા.
હજુ હું વિસ્મય સાથે
મને સતત પૂછી રહ્યો છું,
‘એ ચુંબન —
સર્પ? કે રજ્જુ? કે બન્ને?’
૨૦૦૭

(બૃહદ છંદોલય, પૃ. ૩૨૯)