કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫૦. સ્ટેટ્યૂ ઑફ લિબર્ટી

Revision as of 08:58, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. સ્ટેટ્યૂ ઑફ લિબર્ટી| નિરંજન ભગત}} <poem> તું ક્રાન્તિની પુત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫૦. સ્ટેટ્યૂ ઑફ લિબર્ટી

નિરંજન ભગત

તું ક્રાન્તિની પુત્રી,
મુદ્રાલેખ જે ત્રિસૂત્રી
એમાં તું પ્રથમ સ્થાને;
સમતા, બન્ધુતા તારી આજ્ઞા માને.
તારો જન્મ પૅરિસમાં, બાર્થોલ્ડીને ઘેર,
તારી પર ઇફેલ અને હ્યુગોની મ્હેર.
તું બે મહાપ્રજાઓ વચ્ચેની મૈત્રીનો સ્મૃતિસભર ઉપહાર,
વર્ષો પૂર્વે તારી સમુદ્રયાત્રા ઍટ્લાન્ટિકની પાર;
આજે હવે તું સ્વયં અભિવાસી ઊભી દ્વીપ પરે ન્યૂ યૉર્કના પ્રવેશદ્વારે,
વર્ષોથી તું એ જ માર્ગે આ પૃથ્વીની સૌ પ્રજાઓને સત્કારે.
તારી પીઠીકા પર અંકિત જે ‘ધ ન્યૂ કોલોસસ’નું ગાન
એમાં સૌ આગંતુક અભિવાસીઓને તારું આહ્વાનઃ
‘આપો મને તમારા સૌ ક્લાન્ત, અકિંચન, અસ્તવ્યસ્ત
કોટિ કોટિ માનવો, જે ઝંખે મુક્ત શ્વાસ લેવા,
મોકલી આપો હોય જે ગૃહહીન, ઝંઝાગ્રસ્ત,
તમારા વિસ્તીર્ણ તટ પર હતભાગી, બહિષ્કૃત જેવા;
સુવર્ણના દ્વારે પ્રદીપ ધરે આ ઊર્ધ્વ મારો હસ્ત.’
તારા શિર પરે મુકુટ જે સોહે, એમાં સપ્ત તેજબિંદુ,
એનો અખંડ પ્રકાશ પામે સપ્ત ખંડ, સપ્ત સિંધુ;
તારા ચરણતલે દુઃશાસનની શૃંખલા તું ભાંગે,
સ્વાતંત્ર્યની પ્રતિમા તું, તારું નામ સાર્થક શું લાગે;
તારા સમતલ વામ હસ્તે ‘સ્વાતંત્ર્યનું ઘોષણાપત્ર’ તું ધરે,
એથી તો તું આજ લગી આમંત્રી ર્હૈ મનુષ્યોને વસવાને મુક્ત ભૂમિ પરે,
તારા નભોન્મુખ દક્ષિણ હસ્તે પ્રદીપ તું ધરે, એમાં ઊર્ધ્વ જ્યોત પ્રકાશે,
એથી તો તું આજે હવે પ્રેરી રહી મનુષ્યોને ઊડવાને ભવ્ય અવકાશે.
૨૦૦૪

(બૃહદ છંદોલય, પૃ. ૩૯૦)