કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૦. શ્રાવણની સાંજનો તડકો

Revision as of 09:45, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs)


૧૦. શ્રાવણની સાંજનો તડકો

પ્રિયકાન્ત મણિયાર

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં. – શ્રાo

આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ;
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં. – શ્રાo
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧)