કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૩. લાવ થોડી વાર


૩૩. લાવ થોડી વાર

પ્રિયકાન્ત મણિયાર

લાવ થોડી વાર
લીલા ઘાસના આકાશ પર બેસું.

પર્ણમાં પથરાયલાં
વૃક્ષ-ઝરણાંને અઢેલું.
પવનની કો પાતળી
મૃદુ ડાળ
તેને ટપારું.

નગરમાં તો લક્ષ રહેતાં લોક પૂરાં બાર,
તેના લક્ષ ચોવીસ હાથ,
કંઈ ને કંઈ કરતા ભલે.

હું તો ઘડીભર – બે ઘડી અહીંયાં જ તો
બેસું.
સર્વથી – મારા થકીયે થઈ વિખૂટો
અળગાપણાની મોકળાશે કોણ જાણે કેટલો લેટું!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૫)