કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૪. વર્ષો પછી


૩૪. વર્ષો પછી

પ્રિયકાન્ત મણિયાર

પીએચ.ડી.ના થીસિસે પુરાયલો
હું ઓસરીમાં બસ વાંચતો રહ્યો,
આંખો થઈ હાથ પછી નછૂટકે
સંશોધનેયે સ્વિચ્ ઑફ કીધી.

ફંફોસતો ગેહ, સ્વયં રહું છતાં,
પથારીનો માર્ગ પ્રયત્નથી કર્યો.
લંબાવું કાયા, લઘુ બાળ સૂતો
પથારીમાંથી નિજ ગાદલી મહીં
પોઢાડવા જ્યાં હળવે ઉપાડું,
ટચૂકડા હાથ થકી બચેલું,
ઊંડાણમાં કૈં ગજવે છુપાયું,
અકલ્પ્ય એવું લસર્યું અચાનક
દડી પડ્યું કો ચણીબોર લિસ્સું,
વર્ષો પછી શું મુજ હાથ આવ્યું!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૭-૯૮)