કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૫૧. ખેતરમાં


૫૧. ખેતરમાં

પ્રિયકાન્ત મણિયાર

હું
તો
જન્મ્યો ત્યારથી

મા
યો
પુરુષના હાથે પ્રસવેલો
ખેતરને ખોળે ધરતીનો જાયો!
ગુજરી ગયેલા કાળુભા પટેલનું જીરણ અંગરખું
મારું પહેરણ — પવનમાં ફાટેલું ફફડતું
બરાબર પેટે આવ્યું ગજવું
હોત ને મારે મા પાશેર શેકેલા ચણા ને
ગોળની ગાંગડી કેવાં નાખ્યાં હોત!
લાકડીનો વાંસો ને
લાકડીના હાથ,
જગતના નાથ
ભલા ભગવાન
મારા પગ વાળવાનું જ ભૂલી ગયો!

આમ ઊભા ને ઊભા
નહીં ખાવું નહીં પીવું
આખી પાંચ વીઘાં જમીનનો માલિક! (ના ખાવા દેવું)
ઠીક, બાંયમાં પવન ભરાવી ઠૂંઠા હાથે
બોલાવું પેલા ખેલતાં ખેડૂત-બાળને કહી દઉં — આ બધું
કે મને નથી ગમતું આવું બનવું — બિકાળવું — બિહામણું...
રામ જાણે કયા નાટકનો હું હાલચાલ વિનાનો જાંગલો!

જુઠ્ઠો છું જુઠ્ઠો છું આમ તો ફાટ્યાતૂટ્યા ગાભાનો;
ત્હોય પડખાના ચીલે ગાડાં કિચૂડાટનો અવાજ જ્યારે
આવતો ત્યારે થતું
મારેય ચાર ધામની જાત્રા કરવી છે.

પણ આજે બન્યું અદ્ભુત
અંધકારમાં ઝોકું એક ખાઈ ગયો
વ્હેલી સવારે ઝબકીને જાગું તો
મારે માથે રંગરંગભર્યું પીંછું એક પડ્યું છે!
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૭૮-૨૭૯)