કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૪. રજની અને મધ્યાહ્ન


૪. રજની અને મધ્યાહ્ન

પ્રિયકાન્ત મણિયાર

સંસારના વિષમ સૌ વ્રણ શું રુઝાયા
એવી ઠરી વિમલ આ રજની પ્રશાંત;
ત્યાં દીપ કૈં અરવ એવું વદી બુઝાયા
થાશે ત્વચા નવલ આ ઊગતું પ્રભાત.
મધ્યાહ્નનું નીરખું કિન્તુ શું દૃશ્ય ઓરે!
આ ગ્રીષ્મની પ્રખર વ્યાકુલતાની માંહ્ય
પીંખી રહ્યો પલપલે ધરતીની કાય
રે સિંહરૂપ રવિ તો નિજ ક્રૂર ન્હોરે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦)