કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૫. વનચંપો

From Ekatra Wiki
Revision as of 11:49, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. વનચંપો|બાલમુકુન્દ દવે}} <poem> વગડા વચ્ચે તલાવડી રે; તલાવડી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫. વનચંપો

બાલમુકુન્દ દવે

વગડા વચ્ચે તલાવડી રે;
તલાવડીની સોડઃ
ઊગ્યો વનચંપાનો છોડ.

વસન્ત આવ્યો વરણાગી રે,
ઝૂલે કેસરિયા ઝૂલઃ
બેઠાં વનચંપાને ફૂલ.

જલપાનેતર લે’રિયાં રે,
કમલિની મલકાયઃ
ભમરો ભૂલી ભૂલીને ભરમાય.

વનચંપાની પાંદડી રે,
ખીલે ને કરમાયઃ
ભમરો આવે ને ઊડી જાય!

રાતે ખેલે પોયણી રે,
પોયણી પૂછે વાતઃ
‘ચંપા, જીવને શા ઉચાટ?’

મતે પૂછે તું પોયણી રે,
સૂની ઉરની વાટ!
મનના મન જાણે ઉચાટ!

ત્રણે ગુણોની તરવેણી રે,
રૂપ, રંગ ને વાસઃ
તોયે ભ્રમર ન આવે પાસ!

નભથી ચૂએ ચાંદની રે,
પોયણી ઢાળે નીરઃ
રોતાં તલાવડીનાં તીર!

વગડા વચ્ચે તલાવડી રે,
તલાવડીની સોડઃ
એવો વનચંપાનો છોડ.

૧-૧૦-’૪૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫૭-૫૮)