કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૮. વીરાંજલિ


૨૮. વીરાંજલિ

બાલમુકુન્દ દવે

(સ્વ. કવિશ્રી નાનાલાલને)

ખજાના ખેરાત કરી, ખુમારીને ખોળે રામ!
ભડ પુરુષ ગિયો પોઢી જી,
શાલ ને દુશાલા હોવે ઈને કાજે ઓછાં રામ!
ચેતનની જીણે ચાદર ઓઢી જી.

અગરુ ને ચંદન ઈને કાજે ઓછાં રામ!
પોતે એક પરિમલરૂપી જી;
અઢળક ઢોળી તોય ખૂટી નહિ છૂપી રામ!
કવિતાની કસ્તૂરીની કૂપી જી.

સાબરને તીર રુએ શિયાળુ સમીર રામ!
ઉષા કેરી આંખ રુએ રાતી જી;
ચાલતો થિયો રે વાદી વાજિંતર મેલી સૂનાં!
કેમ રે કઠણ કરવી છાતી જી?

રુદિયાં રોવે તો ભલ રોવે રોવે રોવે રામ!
નેણાં તમે નીર મત ખોવો જી;
આઘાં કરી આંસુ એનો આજુથી અખંડ દીવો
ભીતરુંમાં જલે એને જોવો જી.

અંધારાં આછર્યાં ને વાયાં વાયાં વહાણાં રામ!
જીવનભર ગાયાં જીનાં ગાણાં જી;
અછો અછો ઊતરે જો હરિ તણાં હેરિયાં જી
તેજોમાં તેજ હો સમાણાં રામ!

૧૦-૧-’૪૬
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૭)