કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૯. હરિનો હંસલો


૨૯. હરિનો હંસલો

બાલમુકુન્દ દવે

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો?
કલંકીએ કોણે કીધા ઘા?

કોણ રે અપરાધી માનવજાતનો
જેને સૂઝી અવળી મત આ?
રુધિરે રંગાયો હરિનો હંસલો!

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો,
ધોળો ધોળો ધરણીને અંક;
કરુણા-આંજી રે એની આંખડી,
રામની રટણા છે એને કંઠ,
રુધિરે રંગાયો હરિનો હંસલો!

હિમાળે સરવર શીળાં લે’રતાં
ત્યાંનો રે રહેવાસી આ તો હંસ;
આવી રે ચડેલો જગને ખાબડે,
જાળવી ના જાણ્યો આપણ રંક!
રુધિરે રંગાયો હરિનો હંસલો!

સાંકડાં ખોદો રે અંતરખાબડાં,
રચો રે સરવર રૂડાં સાફ;
અમરોનો અતિથિ આવે હંસલો;
આપણી વચાળે પૂરે વાસ.
રુધિરે રંગાયો હરિનો હંસલો!

૮-૨-’૪૮
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૦૫)