કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૮. ધરતીની માયા


૩૮. ધરતીની માયા

બાલમુકુન્દ દવે

મારાથી ધરતીનો છેડલો ના છૂટે,
માનવીની માયાના બંધ ના વછૂટેઃ
મારાથી ધરતીનો છેડલો ના છૂટે.

વહાલું આકાશ, મને વહાલા છે તારલા
ને વીજળીની વેલ મને વહાલીઃ
પૂનમના રૂપ-સોમ પીધા ચકચૂર,
પૂર અંધારી રાત જતી ઝાલીઃ
તોય હું તો ધરતીની પ્રીતનો પખાલી!
મારાથી ધરતીનો છેડલો ના છૂટે,
માનવીની માયાના બંધ ના વછૂટે.

મોજાંને વહાલો મયંક, વનવેલને
વહાલો વસંતનો હિલોળોઃ
મોરલાને વહાલો નવમેઘ, પનિહારીને
પનઘટના નીરની છોળોઃ
તેમ મને વહાલો આ ધરતીનો ખોળો!
મારાથી ધરતીનો છેડલો ના છૂટે,
માનવીની માયાના બંધ ના વછૂટે.
મનના મરાલ પાંખ વીંઝે દિગંતમાં
ને આંબે અનંતની પાળો
સાવ રે નિર્બંધ એના એકલવિહાર
એને રોધે ના કાલનો સીમાડો
તોય ઓલી ધરતીને તીર એનો માળો!
મારાથી ધરતીનો છેડલો ના છૂટે,
માનવીની માયાના બંધ ના વછૂટે.

૨-૨-’૫૬
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૮)