કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૭. સ્મિતકણી


૭. સ્મિતકણી

બાલમુકુન્દ દવે

વિષાદ પ્રિય હે! તું ટેકણ બની નિરાલંબનું
રહી અટલ ભેરુ-શો, સતત ચિત્તઅંતસ્તલે
ભલે હૃદયની ધરા ભીંજવતો સદાયે ઝમે!
વછોડી પયપાનથી, લઈ ખસેડીને ખોળલો
‘ગઈ જનની ગામ’ તે નવ કદીય પાછી ફરી!
ઝરી પ્રથમ નિર્ઝરી તવ થકી તદા શૈશવે.

પ્રવાહ બઢતો રહ્યો, જલ વિષાદનાં ઝીલતી
સુધીર ઊઘડી યુવા, વહન વેગવંતાં બન્યાં;
હજી લગણ જ્યાં હતી જલઝકોર આછોતરી,
પ્રચંડ પૂર ત્યાં હવે હૃદયભેખડો તોડતું
અખંડ ગરજ્યાં કરે, કરુણરુદ્ર ગોરંભતું!
ઉતારી ઘૂંટ કાલકૂટ ભવના, હવે કંઠની
પિયાલી છલકે નહીં, નયન થાય ભીનાં નહીં,
હવે અધરપે સ્ફુરે સ્મિતકણી બધું પી જઈ!

૧૯૪૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૫)