કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૭. ઊંડા પતાળની માછલી

૨૭. ઊંડા પતાળની માછલી


ઊંડા પતાળની માછલી રે લોલ,
આવી ચડી કો’ક દી’ કિનાર,
રંગ માલમજી લોલ,
હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.

નફા-તોટાનો તું તો નાખુદો રે લોલ,
ભારે હિસાબી હુંશિયાર,
રંગ માલમજી લોલ,
હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.

સોનાની જાળ તારી નંઈ ઝીલે રે લોલ,
મુગતિની ઝંખનાનો માર,
રંગ માલમજી લોલ,
હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.

છીલર જલે જે છકેલા ફરે રે લોલ,
છેલ્લેરા એને જુહાર
રંગ માલમજી લોલ,
હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.
(સંજ્ઞા, પૃ. ૧૭)