કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૬. સમસ્યા

૬. સમસ્યા


ખળળ વહેતી નદીને તટે
          મારી મઢી કોણે બાંધી જી,
અંતરે જાગે ઊંડા કોયડા
          લાગે ઘનઘેરી આંધી જી;
          ગુરુ રે ખોળું હું ભેદુ ગેબના.
ચંદની ચૂવે ને મન ભીંજવે
          પીવા તિમિર કટોરા જી.
ખીલેલાં ખરે ને મન મૂંઝવે
          જાણે પલકના પોરા જી;
          ગુરુ રે ખોળું હું ભેદુ ગેબના.
તડકે-છાંયે ગૂંથી આયખું
          ડૂબે નીર મહીં મઢી જી,
જાગ્યા ન જાગ્યા ત્યાં તો ત્યાગવું
          વાતું આવી કોણે ઘડી જી?
          ગુરુ રે ખોળું હું ભેદુ ગેબના.
ખળળ વહેતી નદીને તટે
          મારી મઢીને ઉંબરે જી,
સમસ્યાનું સૂનું મારું કોડિયું
          કોણ દીવો આવી કરે જી?
          ગુરુ હે જાગો ભેદુ ગેબના.
(તરણાં, પૃ. ૧૫૭)