કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૧. અગિયાર દરિયા

૨૧. અગિયાર દરિયા


         આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા,
         એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા.
         એકથી તે દસ સુધી ગણવું ઘણું અઘરું પડે છે,
         સાવ સહેલી વાતમાં બેઠા થયા અગિયાર દરિયા.
         આંખમાંથી એ વહે છે કેમ છો એવું કહે છે,
         સાંભળે જો એક જણ તો દોડતા અગિયાર દરિયા.
         ફૂલ પહેરી રોજ રાત્રે એક સપનું એમ ડોલે,
         ઊંઘમાં આકાશ ઓઢી જાગતા અગિયાર દરિયા.
         બંધ દરવાજા બધે છે બારીઓ કેવળ વસે છે,
         હું અને તું હોઈએ ના? પૂછતા અગિયાર દરિયા.
         આગમાંથી બાગમાંથી રાગમાંથી તાગમાંથી
         લાગમાંથી ભાગમાંથી ક્યાં જતા અગિયાર દરિયા?
         કૂદીએ તો બૂડીએ તો ઊગીએ તો ઓઢીએ તો
         આથમે તો ઓગળે તો કેમના અગિયાર દરિયા?
         શબ્દનું તો સાવ એવું પાતળી પડપૂછ જેવું
         સાંભળે છે કોઈ અમથું ક્યાં ગયા અગિયાર દરિયા?
         એ ખરું કે એમને આવા કદી જોયા જ ક્યાં છે?
         આજ કેવા ઊછળે છે બોલકા અગિયાર દરિયા!
         તે છતાં મારો સમય એમાં જ ઊગે આથમે છે,
         જોકે પોતાના નથી કે પારકા અગિયાર દરિયા.
         ગુર્જરી ગઝલો વિનાની પાંગળી ફિક્કી હજો ના,
         લો લખી લો માલમિલકત આપણા અગિયાર દરિયા.
૧૫-૦૯-૮૫
(અગિયાર દરિયા, ૧૯૮૬, પૃ. ૩-૪)