કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૩. આકાશ

૧૩. આકાશ


કોઈ ખરેલા ફૂલની પાસે બેઠું બેઠું
                    ધ્રુસકે આખી રાત રોયું આકાશ,
કોઈ કૂવાને પાવઠે છેલ્લી વાર પારેવે
                    ખરતા પીંછા જેમ ખોયું આકાશ.

કોઈ ઉઘાડી બારીએ ટગર નજરુંના
                    ટમટમતા દીવે નજરાયું આકાશ,
કોઈ અજાણી વાટ ભૂલેલાં આકળવિકળ
                    પગલાં ભેળું અટવાયું આકાશ.

કોઈ સાંતીડે ઘૂઘરાનો રણકાર બનીને
                    ડચકારે વેરાઈ ગયું આકાશ;
કોઈ અષાઢી ડાયરે ઘૂંટ્યાં ઘેન છલોછલ
                    ઘટકાવી ઘેરાઈ ગયું આકાશ.

કોઈ સીમાડે ડણકી, તાતી તેગના
          તીણા ઝાટકે એવું ખરડાયું આકાશ;
કોઈ ખાંભીના પથરેથી
          સિંદૂરના સૂકાભંઠ રેગાડે તરડાયું આકાશ.

કોઈ ભરી મહેફિલ મૂકીને ઊઠનારાને
                    તેજલિસોટે વીંધાયું આકાશ;
કોઈ બુઝાતી ચેહની પાસે ઊભું ઊભું
                    ડૂસકું ખાળી રૂંધાયું આકાશ.


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૬૯)