કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૧. એમ થાતું કે

૨૧. એમ થાતું કે

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી!

ચારને ભારે લચક લચક થાઉં ને
મૂઆં ઝાડવાં નફ્ફટ આંખ ફાડીને જોઈ રે,
મારી ઝાંઝરિયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,
મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા
દોડતા આગળ થાય!

ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી...
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી!

બારીએ બેઠી હોઉં ને
ખોળો ખૂંદતી કોમળ પગલિયુંના ખિલખિલાટે
ઊછળે છાતીઃ છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;
ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં
સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો આવે,
દનના ડુંગર ઊતરી આવે રાતનાં અબોલ કહેણ!

ઊંઘની આંબાડાળઃ ટપોટપ સોણલિયાં લઉં વેડી...
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી.


૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૯૦)