કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૪. એક લગ્નનું ગીત

૨૪. એક લગ્નનું ગીત


ઝાંપે ઢોલ ઢબૂકિયા ને કાંઈ
                    મંડપ મંગળ ગાય,
ખેસ મલપતા તોરણે ને કાંઈ
                    ગોખે રાતી ઝાંય.

તોરણ ઢાંક્યાં ટોડલા ને કાંઈ
                    ઘૂંઘટ ઢાંક્યાં વેણ,
ફરકે ફરકે વીંજણાં ને કાંઈ
                    ફરકે નમણાં નેણ.

ફળિયે ચૉરી આળખી ને કાંઈ
                    ભીંતે ગણપતરાય,
સાજનમાજન માંડવે ને કાંઈ
                    બાજોઠે વરરાય.

આ દશ્ય ઊગ્યા ઓરતા ને કાંઈ
                    આ દશ્ય કૂણાં નામ;
આ દશ્ય મેલ્યાં આંગણાં ને કાંઈ
                    આ દશ્ય મેલ્યાં ગામ.

જાન વળાવી આવિયા ને શેય
                    વળે ન આંસુધાર;
હૈયે થાપા પડ્યા રહ્યા ને કાંય
                    ફળિયે પગલાં ચાર!


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૧૦૪)