કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨. કાલ સવારે

૨. કાલ સવારે

કાલ સવારે ઊગશું રે અમે સૂરજ જેવું,
          સૂરજ જેવું ઊગશું રે અમે કાલ સવારે!

          કેવાં ઊંડાણ આભનાં રે અમે કાલ કળીશું;
          કૈંક યુગોના શાપ અમે હવે કાલ ફળીશું;
                    ઘોળશું અમલ આગનાં રે અમે કાલ સવારે!
કાલ સવારે ઊગશું રે અમે સૂરજ જેવું,
                    સૂરજ થૈને ઊગશું રે અમે કાલ સવારે!

કાલ સવારે ખીલશું રે અમે કૂંપળ જેવું!
                    કૂંપળ જેવું ખીલશું રે અમે કાલ સવારે.
          કેવાં જોબન ઝાડનાં રે અમે કાલે કળશું;
          આંગણ રોપેલ ઓરતા રે અમે કાલે ફળશું;
                    હરતાંફરતાં મળશું રે અમે કાલ સવારે!

કાલ સવારે ઢળશું રે અમે ઠીબને કાંઠે!
                    ઠીબને કાંઠે ઢળશું રે અમે કાલ સવારે.
          ચાંચની વ્યાકુળ વાતમાં રે અમે કાલે ભળશું;
          પાંખના મૂંગા થાકને રે અમે કાલે કળશું.
                    તરણે ગૂંથ્યા ગામમાં રે અમે કાલ સવારે!
                    કાલ સવારે ગામમાં રે અમે તરણે ગૂંથ્યા.

          બારીએથી એક આંખમાં રે અમે કાલ નીતરશું!
          બારીએથી એક આંખલડી અમે કાલ ચીતરશું.
વાટનાં લંબાણ આંખ્યમાં રે અમે કાલે કળશું.
          કૈંક યુગોના થાક કે આંખથી કાલે ઢળશું;

ઘોળશું અમલ વાતનાં રે અમે કાલ સવારે
                    કૂંપળ જેવું ફળશું રે અમે કાલ સવારે.
                    ઠીબને કાંઠલે ઢળશું રે અમે કાલ સવારે.


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૩૭)