કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૬. ચીતરેલું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૬. ચીતરેલું

સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી,
કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી...

          પગલાંમાં પથરાઈ જતું હોય
                   થાકનું લીલું વન,
          એમ તમારા પડછાયામાં
                   પથરાતું હોય મન...

કોઈ તૂટેલા પાનને જાણે તરણું લેતું તેડી!
સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી...

          ટેરવાંને પણ હોય અજાણ્યો
                    કોઈ લીલેરો ઢાળ,
          સમણાને પણ હોય છે કાયમ
                    તૂટવાની જંજાળ,

આપણે ઊભાં હોય ઝરૂખે – ચીતરેલી હોય મેડી!

સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી...
કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી!

(અંતરનું એકાંત, પૃ. ૧૪૬)