કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૮. તમારે સગપણે

Revision as of 05:37, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૮. તમારે સગપણે

અમે રે વાળેલું કોરું આંગણું
          તમે કંકુપગલાંની ભાત,
નેજવે ટાંગેલી ટપકે ઠીબડી
          ભીંજે એક ભીતરની વાત...
તમારે સગપણે અમે મ્હોરિયા!

તમે રે ચોપાટ્યું માઝમ રાતની
          અમે ઘાયલ હૈયાના ધબકાર,
ઊઘડે અંધારાં ગરવા ઓરડે
          સોણલાંના ઊઠે રે ઘમકાર...
તમારા સોણામાં અમે મ્હોરિયા!

અમે રે રેલાવે છબતા ડાબલા
          તમે ઊડતી ખરિયુંની ધૂળ,
આંખો અણિયાળી અમિયલ આભલું
          અમિયલ ધરતીનું કુળ...
તમારે પડછાયે અમે મ્હોરિયા!

શેરીના રમનારા ભેરુ સાંભર્યા,
          વરસ્યું આભ અનરાધાર,
કોણે રે આવીને વાળ્યાં વહેણને?
          સમણાં આવ્યાં રે સવાર!
કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું!...

(અંતરનું એકાંત, પૃ. ૧૫૯)