કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૯. મોરપગલું

૩૯. મોરપગલું

સાત અક્ષર જેટલું અંતર અને
આપણી વચ્ચે ધબકતું ઘર હશે.

સ્હેજ સૂકું પાન ખખડે બારણે,
એક ડગલું ઉંબરે ઊભું હશે!

મોરપગલું આંગણે ગહેક્યા કરે
ને અચાનક કંઠ ભીનો થઈ જશે!

ગોખ, મેડી ને ગગન ઝાંખું થતું —
આંખમાં આષાઢની હેલી હશે!

(અંતરનું એકાંત, પૃ. ૧૬૨)