કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૧. હવે

૪૧. હવે

આસોપાલવના તોરણને
સહેજ સ્પર્શીને
ઉંબર ઓળંગજો!

લીંપણમાં પગલાંની છાપ
નહીં પડે, પણ
હવામાં મહેકી ઊઠશે
સ્પર્શનો પમરાટ!

ફળિયા સુધી સાથે આવેલા
સમયને સંભારીને
ઊભા રહેશો પળભર તો
સંભળાશે
મોરની ભીની એક ગહેક!

          — તમને સંભારી સંભારીને જ
          ચાકળામાં
          મોર ભર્યા હતા...
          હવે એની ગહેક
          ભીંતે ટીંગાય છે!

(અંતરનું એકાંત, પૃ. ૧૮૫)