કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૬. મૂળ મળે

૪૬. મૂળ મળે

          વૃક્ષનાં મૂળ મૂળને મળે...
          ધરતીનાં ભીતર કોરીને
                    કોમળ કોમળ ભળે... મૂળo

એક વૃક્ષનાં બીજ અહીં આ પડ્યાં, પડીને ઊગ્યાં,
એ જ વૃક્ષનાં બીજ બીજાં તો ક્યાંથી ક્યાં જઈ પૂગ્યાં–
          ઊગ્યાં, ઊછર્યાં ને ઊભાં છે
                    તસુભાર નવ ચળે... મૂળo

ડાળી ડાળી પાન પાન પંખીએ વહેંચી લીધાં,
પોતાને માટે શું રાખ્યું? છાંયડાય દઈ દીધાં!
          પોતાનાં ફળ મીઠાં છે કે
                    કડવાં ક્યાંથી કળે?... મૂળo

વૃક્ષ વૃક્ષનાં વંશજ પણ ના કોઈ કોઈને મળે
પંખી આવે જાય અરે, પણ પોતે ક્યાંથી ચળે!
          વૃક્ષ વૃક્ષના વિરહે ઝૂરે –
                    મૂળ પછી સળવળે... મૂળo

અગણિત અગણિત મૂળ મૂળને મળવા ધીરે ધીરે –
ધરતીમાં આરંભે કોમળ યાત્રા ધીરે ધીરે!
          વૃક્ષ વૃક્ષને મળવાનાં તપ
                    એમ મૂળથી ફળે...મૂળo

જીવનરસ થઈને સગપણ પણ પાન સુધી પહોંચે છે!
ભીતરની સૃષ્ટિમાં ભીના ધબકારા પહોંચે છે!
          એકલતાના બધા ઝુરાપા
                    મૂળ મળ્યાં ને ટળ્યાં...
                   મૂળ મૂળને મળ્યાં...

વૃક્ષોના સંચારતંત્રનું મૌન વહન છે મૂળ—
માંહી પડેલા રંગરૂપનું કેવું મઘમઘ કુળ
          મૂળ મળે જેને જીવનમાં
                   જીવન એને મળે—
          મૂળ મૂળને મળે...
                    જીવનમાં મૂળ મૂળને મળે...


૧૨-૭-૧૨

(અંતરનું એકાંત, પૃ. ૨૬૦-૨૬૧)