કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧૫. કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું


૧૫. કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું

રમેશ પારેખ

કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું છુટ્ટું...
ઝાડના ભરોસે ગાય ખુલ્લી છોડીને સૂતો છાંયડામાં કોઈ ભરવાડ
ધૂળનાં ઘરેણાંથી લોથપોથ છોકરામાં ભૂલું પડ્યું વડલાનું ઝાડ

વાયરાના તાર તાર ફાટેલા ચીંથરાને સાંધે છે કાગડાનો દોરો
પડતર મકાન જેવી આંખોના દરવાજે કોઈ ગીત મારતું ટકોરો

પોતાનાં નીતરેલ જળમાં ખાબોચિયાંઓ સેવે છે ઈંડું આકાશનું
પૂનમની જેમ આજ કાગડો ઊગ્યો છે અને ચાંદની છે ઝાડવું પલાશનું

કાગડો તો (વગડાના સરનામે) ટહુકાના અક્ષરે લખેલ એક કાગળ
આજની સવાર મારું ખુલ્લું પરબીડિયું ને એમાંથી નીકળ્યું છે વાદળ...!
કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું છુટ્ટું...
૨૦-૯-’૭૫/શનિ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૭)