કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧૬. ઝાડ અને ખિસકોલી અને ઝાડ


૧૬. ઝાડ અને ખિસકોલી અને ઝાડ

રમેશ પારેખ

પાણી જેવી પાતળી ખિસકોલી રે ખિસકોલી રમે
ઝરમર ઝરમર ઝમકે એની બોલી રે ખિસકોલી રમે.

ડાળી વચ્ચે ઊભું અવાચક ઝાડવું રે ખિસકોલી રમે
ખુલ્લંખુલ્લા થતું એ ક્યાં સંતાડવું રે ખિસકોલી રમે

ખિસકોલીએ ખોબોક પાડ્યો પડછાયો ખિસકોલી રમે
એમાં તો આખ્ખા ઝાડનો તડકો ઢંકાયો ખિસકોલી રમે

પાંદડું પાંદડું લસરક લસરક પીંછું થયું ખિસકોલી રમે
ઝાડમાં રેશમવરણું ઝાડવું ઊગી ગયું ખિસકોલી રમે

ખિસકોલીના જળમાં ઝાડ કૂંડાળે ચડ્યું ખિસકોલી રમે
ખિસકોલીને ઝાડવા જેવું મોતી જડ્યું ખિસકોલી રમે

ખિસકોલી (ઝાડવાને ચડેલો) ડૂમો રે ખિસકોલી રમે
ડાળી ડાળી બંધ હોઠની લૂમો રે ખિસકોલી રમે

હીંચકા જેવું ઝાડ ને ખિસકોલી જેવી ઠેસ રે ખિસકોલી રમે
શબરી-આંગણ રામ પધાર્યા ખિસકોલીને વેશ રે ખિસકોલી રમે

૨૧-૪-’૭૬/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૮)