કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૬. વનખંડન


૨૬. વનખંડન


૧. અમારો મુકામ

નિબિડ વન-વ્હેળાના કોઈ ઉઘાડ કને રચી
કુટિર ખડ ને સાંઠા કેરી, પડાવ અમે કીધ;
અવ લગી અહીં મંડાયેલાં ન લોચન સંસ્કૃત,
નભકિરણને કાજેયે ના પ્રવેશની જ્યાં ગતિ.
અસપરસે વીંટાયેલી અડાબીડ ઔષધિ,
હૂંફ હતી અહીં જેવી તેવો હતો વળી હેજ હ્યાં;
શ્રવણ નવ જે ઝીલે ઝાઝા અવાજ ધમાલના
અહીં સરલ તે માણે ઝીણી શી ઝંકૃતિ મૌનની!
વન-કુસુમને જાણે પાંખો મળી મન-છંદની,
વિવિધ વરણે તેવા ઊડે પતંગ છટામય;
સહજ દૃગને લાધે જેનું ન દર્શન તો પણ
ચહુદિશ થકી આવે વાણી વિહંગમ કંઠની.
ચિરસમયની તંદ્રા માંહી રહી અહીંની હવા,
કરવત-કુહાડીના એને પ્રઘાત નવા નવા.

૨. તરુ-ખંડન

કરવત-કુહાડીના ઘાથી ઢળી પડતાં બુડ,
રવિકિરણનો ત્યાં વેગીલો પ્રપાત સમુચ્છલ;
ચિરસમયની તંદ્રા તૂટે, ઉજેશથી પ્રજ્જ્વલ
વન અવનવા રંગે લાગે વિલક્ષણ કર્બુર.
રજવત બની ર્‌હેતા આ તે પુરાતન વલ્મિક,
ઉરગ તૃણ-પર્ણોની ઓથે લપાય, પિપીલિકા
અયુત અહીં ત્યાં ઘૂમે, ઘેલી વળી મધુમક્ષિકા
નિજ શહદને ઢૂંઢી ર્‌હેતી સરોષ વિકંપિત.
વિહગ તરુ-સૂના આકાશે ઝૂકે યદિ સાંજના,
ચરણ મૂકવા ડાળી ત્યાં ના લહી, ઊડતાં ફરી;
વળીવળી ઝૂકે નીડે ઈંડું મૂકેલ સ્મરી સ્મરી,
ફડફડી રહે પાંખો, રાત્રેય રે જરી વાજ ના.
વડતરુ ધરા કેરે અંકે ઢળ્યાં, પણ શૂન્યમાં
હજી હૃદય તો કંપે, જેની વહે રતિ અન્યમાં.

૩. ન સૂર વિલાપનો

તરુવર ધરિત્રીને અંકે ઢળે, સહુ પીડ તે
સહી જતી મૂંગા હૈયે, કોઈ ન સૂર વિલાપનો.
વન મહીં વસી જાણ્યો એણેય ધર્મ દધીચિનો;
અરિકર મહીં જેણે અર્પી દીધાં નિજ અસ્થિને.
નિજ વિલય કેરું નેત્રોમાં રમે કંઈ દર્શન,
મખ અનલના પર્જન્યે ત્યાં પ્રજાની પ્રસન્નતા,
જલધિજલ ઓળંગી જાતી બને તરણી તથા
નગર મહીં વા ક્ષેત્રે કોઈ રચાય નિકેતન.
યુગયુગ પછી લાધે જેને વિવર્તનની પળ,
મરણ પણ ત્યાં મોંઘું, એની લહે વર ધન્યતા;
સ્થળ મહીંય જે સ્થાણુ તેને મળે ગતિ સર્વથા,
હસતી પરવાળાંને રંગે નવોદિત કૂંપળ.
જ્યહીં ચરણની કેડીયે ના ત્યહીં રથચક્રની
દડમજલની વાજી ર્‌હેતી હવે શત ઘંટડી.

૪. ફૂટી લહું ડાંખળી

શત ઘુંઘરને નાદે રે આ વહે વનનું ધન,
થલથલ ઊડે લીલા લીલા ચ પાંડુર વસ્ત્રના;
અહીંત્યહીં હજી કાયા ઢાંકી રહ્યા કંઈ તાંતણા
પખ પણ વીત્યા પ્હેલાં પામ્યા હશે જ વિલોપન.
કતકરી તણી કન્યા કાજે ન અંગનું ઓઢણ,
તૃણ-પરણ કેરી વીંટેલી રહી કટિમેખલા;
વિવિધ ફલ આસ્વાદંતી જે હશે કદી ચંચલા
અવ ગિરિગુહા કેરું એને રહ્યું બસ પોઢણ.
અવ અધિક ના આંહીં મારો મુકામ, હું આખરી
નજર મુજ માંડું રે એને નિરોધ ન કો નડે;
ત્યહીં દરથી ડોકાતું ભીરુ લહું સસલું, અરે
ક્યહીં થડ તણા ખૂંટામાંથી ફૂટી લહું ડાંખળી!
તકમરી તણાં ફૂલો કેરી સુગંધ હવા મહીં!
ધૂસર સમયે કંસારીના રમે સ્વન ર્‌હૈ રહી!
(સંકલિત કવિતા, પૃ. ૨૩૭-૨૩૯)