કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૭. હેમંતની એક રાતે


૩૭. હેમંતની એક રાતે

હેમંતની પ્રથમ રાત્રિના શાન્તિ ભેદી
ઓચિંત વારિ પર વક્તિતીનો અવાજ
ઝૂમે, હવા પુલિનપ્રાન્તની ક્ષુબ્ધ થાય
ને કૌમુદી થહરી પીંપળપર્ણપોઢી.
ઓછેરું કાઢી મુખ બ્હાર, નરી નિરાંતે
તંદ્રાળુ નેત્રથી વિલોકત વ્યોમ, મીન;
ઊંડાણમાં ઝડપથી ગરકંત ભીત;
ડ્‌હોળાયલાં વમળ તે સહુનેય ઢાંકે.
કૈં ઊતર્યું, ઊતર્યું ના, અરધેથી પંખી
ઊડી ગયું ફરી અવાજ કરી કિનારે.
ઝિલ્લીનું મૌન ક્ષણનું, પણ રે ઉમંગી
સૌએ પછી નિઝુમ રૅણ સજાવી હારે.
ને ત્યાં સમીર સહ ક્રીડત ચંદનીએ
ભૂંસી પગેરું, મધુ સ્વપ્નની લ્હેર આંકી.
(સંકલિત કવિતા, પૃ. ૩૮૧)