કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૮. ધવલ અંધકાર


૩૮. ધવલ અંધકાર

પાછલી રાતનું આ ગગન,
લીંપેલ ઓસરી મહીં આમતેમ બધે
વેરાયેલ કંઈ કોદરીના કણ
એવું પાછલી રાતનું આ ગગન.
નજરથી ચાંચ ત્યહીં પૂગે,
મન ફાવે તેમ એકલ તે ચણ ચૂગે,
હળુ હળુ પાંખમાં ભરાય સમીરણ.
ભરેલ ઉદર, જગા જરીય ન ખાલી,
તોય
આવે તે સમાય મહીં, ક્યાંય જાય ચાલી,
કણ કોઈ થાય નહીં કમી,
એનો સ્વાદ રહે જીભ પર ઝમી,
ઘેનમાં ગળતી આંખ પાંપણ દે ઢાળી.
લહું ધવલ અંધાર.
ધવલ
અવર નહીં કાંઈ
(મારોયે ન અણસાર),
એક ધવલ ધવલ અંધકાર.
(સંકલિત કવિતા, પૃ. ૪૦૯)