કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૫. એકલ


૫. એકલ

ઘરને ત્યજીને જનારને
મળતી વિશ્વ તણી વિશાળતા;
પછવાડે અડવા થનારને
ભરખે ઘર કેરી શૂન્યતા.
મિલને ઉરયોગ નંદમાં
લહ્યું ના કે કદીયે જુદાપણું
હતું, વા કો દી થશે, થયું બન્યું
મળવું ક્ષણ કેરું સોણલું.
સરતી યુગ જેવડી ક્ષણો,
સહુયે કેવળ ખાલી લાગતી;
પળ જે કિંતુ ઉરે જડાઈ છે
લઘુ તે સ્મૃતિથી ભરી ભરી.
સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ,
યુગ જેવા યુગની કરું ક્ષણ.
(સંકલિત કવિતા, પૃ. ૩૫)