કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૯. રાણકદેવી

૧૯. રાણકદેવી
(વસંતતિલકા)

આ પાસ, નેત્રદમતી, જલહીન, તપ્ત,
રેતી તણો પટ વિશાલ શું ધાય ખાવા!
ને બીજી પાસ વઢવાણ પડેલ મન્દ,
વચ્ચે પ્રચંડશિર દેરું ઊભું અટૂલું. ૧
ના નેત્ર-આંજતી સગર્વ ઊંચાઈ ભવ્ય,
ના નેત્ર-ભૂલવતું ઝીણું વિચિત્ર શિલ્પ,
ના નેત્ર-રીઝવતી કોઈ કલા અનેરી,
સાદું તથાપિ ઊભું શીર્ષ પ્રચંડ ધારી. ૨
ના કીર્તિલેખ લખી નામ કરે પ્રશસ્તિ,
ના સ્થાન કોઈ મમતાળુ ય રાજવીનું,
ના ધર્મનું, ધરમઢોંગનું, તો ય લોક
જાણે પ્રતાપવતી રાજસતીનું દેરું. ૩
એ અદ્વિતીય તનુ સુંદરતા નથી જ
સૌરાષ્ટ્રભૂપપટરાણીની જે પ્રસિદ્ધ,
વૈધવ્યનો ન પણ શોક, પરાભવે ના,
છે માત્ર મૂર્તિ નિજ પુણ્ય પ્રકોપ કેરી. ૪
છુટ્ટા સુકેશ ઘન, સ્કન્ધની બેઉ પાસ
ઉરે ઢળી વહી જતા ચરણો સુધી એ;
શું કેશવાળી?–પણ સિંહણને ન સોહે,
કાલિન્દી શું?–નવ હિમાલયથી વહે બે. ૫
આંખો વિશાલ, તજી ચંચલતા, પ્રચંડ,
છે લક્ષ્યહીન, અનિમેષ, કરાલ, શ્વેત;
વન્દે નહિ શિવનું લિંગ પડ્યું સમક્ષ,
દેખે ન મૂર્તિ નિજ બાલની જે સમીપ. ૬
પીળાં કરેણ ફૂલની ધરી માલ કંઠે
ને ચૂંદડી ધરી શી સોરઠી લોબડીની,
સૌભાગ્યનાં સકલ ચિહ્ન કરાલ દીસે,
અંગાંગમાં ભભૂકતો પણ અગ્નિ ભાસે. ૭
ત્યારે હતો સકલ આ રમણીય દેશ,
સ્વાતંત્ર્ય શૌર્ય નિજ સાહસથી સુહાતો,
લક્ષ્મી સરસ્વતી ય બેનપણી બનીને,
વાસો અહીં વસતી’તી ગુજરાત દેશે. ૮
સંહારી શત્રુ, શુભ શાંતિ જમાવી લોકે,
વિસ્તારી રાજ્ય, શણગારી સહસ્રલિંગે,
હૈમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો
સાર્થક્ય કીધું નિજ નામનું સિદ્ધરાજે. ૯
પોષી સમાન જિન બ્રાહ્મણ બેઉ ધર્મ,
આપી ઉદાર બહુ દાન સમસ્ત દેશે.
જીતી અનેક સમરાંગણ ગુર્જરેશે,
કીર્તિતણું અમરપાત્ર ઘડાવ્યું રૂડું. ૧૦
કિન્તુ અનેક રિપુને રણ જીતનારે,
જીત્યા ન આત્મરિપુ અંતર જે વસેલા,
આવી જઈ વિજયના મદમાં ભૂંડાએ,
હાથે કરી યશનું પાત્ર જ કાણું કીધું. ૧૧
શ્રીકૃષ્ણપાવન સુરાષ્ટ્ર પરે ચડ્યો એ,
ને બાર વર્ષ ઘનઘોર ચલાવી ઘેરો,
ભેદ્યું જૂનાગઢ કંઈ બલથી છલેથી,
ને યુદ્ધમાં સુભટ યાદવસિંહ રોળ્યો. ૧૨
ખેંગારની વિજયશ્રી વરિયો મનસ્વી,
ને ભોગવી ક્ષણ ક્ષણે લસતી નવીન
એ રમ્ય લક્ષ્મી ગિરનારની, તો ય કીધી
ઉદ્દામ વૃત્તિ સતી શિયળ બોટવાની. ૧૩
ઉતારી પર્વતથી એ અબળા અનાથ,
ડોલ્યાં ગિરિ શિખર રાણકદેવી જાતાં!
છોડાવિયો સરસ સોરઠ ભાવભીનો,
નિઃશંક સાવજ સરિજ્જલ જ્યાં પીએ છે. ૧૪
માની ન ઠેઠ સુધી, હારી નહિ, ડગી ના,
તો યે ન દીધું સત સોરઠિયાણી કેરું;
કામાન્ધ ક્રોધવશ થૈ નૃપ સિદ્ધરાજે
નિઃશસ્ત્ર બાલ હણી ક્ષત્રિય રીત લોપી. ૧૫
તો યે ડગી ન સતી, એકલી વીરમાતે
વીરોનું મૃત્યુ મરતાં સુતને શિખાવ્યું.
હીણું કરી, ન કરી સિદ્ધ કશું, સતીની
નિષ્ઠાથી હારી, પણ ના હઠથી હઠ્યો એ. ૧૬
પુણ્યપ્રકોપ પ્રગટ્યો, ધરી અગ્નિરૂપ,
પ્રજ્વાલતો જગત ત્યાં સતી દેહમાંથી;
સંકેલી ઉગ્રશિખ, મોર કલાપ પેઠે,
એ અગ્નિમાંહી નિજ દેહ જ ભસ્મ કીધો. ૧૭
પાનાં અનેક ઇતિહાસ તણાં ફર્યાં છે.
સ્વાતંત્ર્ય, શૌર્ય, નથી સાહસ એ સુહાતાંઃ
ચૈતાવવા વિજય-અન્ધ નૃપો તથાપિ,
પૃથ્વીની તર્જની શું દેરું હજી ઊભું છે. ૧૮

(શેષનાં કાવ્યો, પૃ. ૫૩-૫૬)