કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૦. વૈશાખનો બપોર

૨૦. વૈશાખનો બપોર
(મિશ્રોપજાતિ)

વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો,
દ્હાડો હતો એ કશી કૈં રજાનો.
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યાં હતાં આળસમાં હજી જનો,
જંપ્યાં હતાં બાળક ખેલતાં ય
ટહુકવું કોકિલ વીસર્યો'તો,
સંતાઈ ઝાડે વિહગો રહ્યાં'તાં,
ત્યારે મહોલ્લા મહીં એક શહેરના,
શબ્દો પડ્યા કાન : `સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?' ૧૦
ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પ્હેરી જોડા,
માથે વીંટી ફીંડલું લાલ મોટું,
કો મારવાડી સરખો ધીમે ધીમે :
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરન્તો ડગલાં જતો'તો
મેલી તૂટી આંગડી એક પ્હેરી,
માથે ઉઘાડે પગ એ ઉઘાડે
આઠેકનો બાળક એક દૂબળો.
`બચ્ચા લખા! ચાલ જરાક જોયેં ૨૦
એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તુર્ત તને ચણા હું.'
ને એ ચણા-આશથી બાળ બોલ્યો :
`સજાવવાં કાતર ચપ્પુ કોઈને!' ૨૪
એ બાળના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ.
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા છરી કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે? ૩૦
ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું : `અલ્યા તું કહીંનો, કહે તો!'
`બાપુ! રહું દૂર હું મારવાડે.'
દયા બીજાને થઈને કહે : `જુઓ!
આવે જનો દૂર કહીં કહીંથી?
જુઓ જુઓ દેશ ગરીબ કેવો!'
અને કહે કોઈ વળી ભણેલો
`આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ :
ચાલે નહિ આવી સરાણ હાવાં!' ૪૦
ને ટાપશી પૂરી તહીં બીજાએ :
`નવી સરાણે જણ એક જોઈએ :
પોસાય ત્યાં બે જણ તે શી રીતે?' ૪૩
`બાપુ સજાવો કંઈ' `ભાઈ, ના ના
સજાવવાનું નથી કૈં અમારે.'
અને ફરી આગળ એહ ચાલ્યો
`સજાવવાં ચપ્પુ છરી!' કહેતો;
ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યો : `છરી ચપ્પુ સજાવવાં છે?' ૫૦
જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડી :
`બચ્ચા લખા! ધોમ બપોર ટ્હેલ્યા
છતાં મળી ના પઈની મજૂરી!'
ને ફેરવી આંખ, દઈ નિસાસો
બોલ્યો : `અરે ભાઈ ભૂખ્યા છીએ, દ્યો,
આધાર કૈં થાય જરાક પાણીનો!'
કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે
`અરે! બધો દેશ ભર્યો ગરીબનો, ૬૦
કોને દિયેં ને દઈએ ન કોને?'
કોઈ કહે : `એ ખરી ફર્જ રાજ્યની!'
ને કો કહે : `પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય!'
ત્યાં એકને કૈંક દયા જ આવતાં
પત્ની કને જૈ કહ્યું : `કાંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દો!'
`જોવા સિનેમા જવું આજ છે ને!
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે,
ભૂલી ગયા છેક જ આવતાં દયા?' ૭૦
દયા તણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સૂઝ્યું ન આપવાનું!
ને ત્યાં સિનેમા સહગામી મિત્ર કહે :
`દયા બયા છે સહુ દંભ; મિથ્યા
આચાર બુર્ઝ્વાજન માત્ર કલ્પિત!'
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરન્તુ એ તો સમજ્યો જરૂર :
`મજૂરી કે અન્નની આશ ખોટી!'
છતાં વધુ મન્દ થતા અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે
`સજાવવાં કાતર ચપ્પુ કોઈને!' ૮૧
મ્હોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની,
ઉઘાડતાં ગાંઠ અને પડીકાં
હાંલ્લાં, જરા કૈં બટકાવવાને.
બોલાવિયા આ પરદેશી બેઉને :
`અરે જરા ખાઈ પછીથી જાજો!'
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાને બટકુંક નીર્યું. ૯૦
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્ર :
હતી તહીં કેવળ માણસાઈ! ૯૨

(શેષનાં કાવ્યો, પૃ. ૫૭-૬૦)