કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૯. સિન્ધુનું આમંત્રણ

૩૯. સિન્ધુનું આમંત્રણ
(અનુષ્ટુપ અને સ્રગ્ધરા)

આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
રંગબેરંગી ઝાંયોનાં મોતીઓ વરસાવતો. ૧
નહિ માર્ગ, નહિ કેડી, દ્વાર કે દરવાન ના,
જ્યાં હો ત્યાંથી અહીં આવો પાડ કે અહેસાન ના. ૨
દેખાતા સામસામા જડજમીનતટો, તોય આ એક સિન્ધુ;
નોખા નોખા વસેલા મનુજ જગ પરે, આપણે એક બન્ધુ.
આવો, આવો, પ્રજાઓ! અહીં યુગ યુગનાં વૈર વામો ડઁસીલાં
સિન્ધુ સાથે મિલાવી નિજ સૂર, ગરવાં ગીત ગાઓ રસીલાં. ૩
આવો ફિલ્સૂફ, આવો કવિગણ, રસિકો ને કલાકોવિદોયે!
ઊર્મિ, પ્રૌઢા તરંગો ચલ ગિરિવર-શા, રંગીલા બુદ્બુદોયે,
આ ઘેરા ઘોર ગર્તો અતલ ઊલટતા વારિઓઘો અગાધ,
તે વિસ્તારો વિશાળા સહુ દિશ સરખા, માંહી ખેલો અબાધ. ૪
સહસ્ર સ્રોતથી ઘેલી નદી જીવનની વહે,
ઘડી શુદ્ધ ઘડી મેલી ક્ષણે ના સરખી રહે; ૫
તેમાં આ તટથી પેલે જતાં જન મથી મથી,
અનુકૂળ વહી આવો પ્રવાહોના જ પંથથી. ૬
અંધારાં ભેદવાને અહીંથી દિનકરે હસ્ત પ્હેલો ઉગામે,
વિશ્વોમાં એક ચક્રે ફરી અતુલ બલે અસ્ત એ આંહીં પામે;
જીવો નિ :સંખ્ય સૌ આ અકલ સલિલથી આદિમાં નિર્ગમે છે,
ઊંચા નીચા ફરીને સમય નિજ થતાં આંહીં આવી શમે છે. ૭
આવો સૌ પુણ્યશાલી, અમલ કરણીના પુણ્યનો આજ આરો,
નિ :સંકોચે પધારો ક્લુષિત થયલા! વારિધિ આ તમારો;
પ્રાયશ્ચિત્તો અહીંયાં પ્રજળી ન કરવાં દામણાં દુ :ખદાહે,
વામીને પાપપુણ્યો તણું મમત, રમો શુદ્ધ મુક્ત પ્રવાહે. ૮

*

સુણાયે સાદ એ દેશ-કાલની પાર દૂરથી,
લોક લોક તણા ઊંડા અંતરતમ ઉરથી. ૯
`નિત્ય એ સાદ આવે છે એમાં સત્ય કશું નથી'
`જવાશે જઈશું ત્યારે' કરી કોઈ પ્રમાદથી ૧૦
ગયું ના, પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો
આમંત્રે રંગબેરંગી મોતીઓ વરસાવતો. ૧૧

(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૩-૧૩૪)