કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩. પ્રભુ! જીવન દે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. પ્રભુ! જીવન
(વિયોગિની)

પ્રભુ, જીવન દે, હજી જીવન દે!
વિપદો નિતનિત્ય નવીન નડે,
ડગલું ભરતાં કુહરે જ પડે,
કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે,
વનકંટકથી તન રક્ત ઝરે,
પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દૃગ, એ પડીને ફરીથી ઊપડે
પગ, એટલું હે પ્રભુ જીવન દે;
પ્રભુ, જીવન દે, નવજીવન દે! ૯
પ્રભુ, બંધનમાં જકડાઈ ગયો,
મુજ દેહ બધો અકડાઈ ગયો,
અવ ચેતન દે,
નવચેતન દે!
સહુ એક જ ઘાથી હું તોડી દઉં,
તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં,
તુજ વારિ વિશાલ મહીંથી ઊડે,
લઘુ પામરતા બધી માંહી બૂડે,
જલ એ ઊભરી અભર્યું જ ભરે,
પ્રભુ, એ જલમાં ઝીલવાનું જ દે!
પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે, ૨૦
દિનરાત ડરાઉં ડરાઉં કરે,
પણ નિર્ભય મુક્ત અસીમ જલે
ઝીલતાં જનશું મળવાનું જ દે;
પ્રભુ, ચેતન દે, નવચેતન દે. ૨૪
યદિ એ નવ દે, –
પણ જીવનઓટ ન ખાળી શકું,
મુજ જીવનખોટ ન વાળી શકું,
હળવે મુજ જીવનહ્રાસ થતો,
અમ નિર્બળનો ઉપહાસ થતો
જગ ટાળી શકું ૩૦
નહિ, એવું ન દે! પ્રભુ, એ કરતાં,
મુજ આયુષશેષય સંહરતાં,
ઘડી યૌવન જીરણ અંગ તું દે, –
પ્રભુ, જિંદગી પુણ્ય વિના ગઈ છે,
પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે? –
બીજું ના કંઈ તો બસ આટલું દે,
જગપાપ શું કૈં લડવાનું જ દે,
લડી પાર અને પડવાનું જ દે,
હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે, ૪૦
જીવવા નહિ તો
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!
ઘડી એ બસ એટલું યૌવન દે;
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે! ૪૪

(શેષનાં કાવ્યો, પૃ. ૬-૭)