કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૫૦. હરિ મારે
હરિ મારે ગયા રે જનમની પ્રીત
ભૂલી ના ભુલાયે હરિ
હરિ મારે એવાં તે કશાં રે સચિંત
બિન્દુય ના ઝિલાયે હરિ
હરિ મારે ભર્યા રે જગતમાં નહિ કોઈ
જેને હું સંભળાવું હરિ
હરિ તમે સુણો કે ન સુણો તોય એક
તમારી પાસ ગાવું હરિ
હરિ પણ એકની એક જ એ વાત
તેમાં શું હવે કથવું હરિ
હરિ કર્યો એવો રે માનવસંઘાત
છૂટાં પડીને મથવું હરિ.
હરિ મારે ગયા રે જનમની પ્રીત
ભૂલી ના ભુલાયે હરિ.
(વિશેષ કાવ્યો, પૃ. ૬૫)