કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૦.વરસાદીરાતે


૨૦.વરસાદીરાતે

રાવજી પટેલ

ઈશાની પવન મારાં છાપરાંનાં નળિયાંને ઊંચું-નીચું કર્યા કરે.
નળિયાંની નીચે મારી ઊંઘ પણ પીંછાં જેવી
આઘીપાછી થયા કરે.
નાનો ભાઈ બચ બચ ધાવે,
બચકારે બચકારે અંધારાનો મોલ હલે.
સ્હેજ વળી ફણગાની જેમ કૂંણું કણસીને
બચ બચ પીધા કરે માયાળુ ખેતર.
મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે.
એની પર પંખીઓનાં પીંછાં સ્હેજ ફરફરે.
આખો દહાડો ઢેફાઈ કુટાઈ –
મા
પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી.
મારા બાવડામાં દિવસ, બળદ, હળ; બારે મેઘ પોઢ્યાં
અને
નળિયાંની નીચે મારી ઊંઘ
પીંછાં જેવી આઘીપાછી થયા કરે...
(અંગત, પૃ. ૩૨)