કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૧.શ્રાવણી પૂર્ણિમા


૧૧.શ્રાવણી પૂર્ણિમા

ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં
આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આવ્યું નીચે ફરફર અહીં બારીની બ્હાર જોઉં
સામે પેલા ગડવર ઊભા વૃક્ષની ડાળીઓમાં
ગૂંચાતું ને ગહકી ઊઠતો મોર જંપી ગયેલો !

નીલા નીલા કમલસરમાં નાહીને શું અનંગ
ગોરું ગોરું બદન ઊતરે પૂર્ણિમાનું પ્રફુલ્લ !
કોઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠભાગે પડે છે
જ્યોત્સ્ના મીઠી, જરીક દૂર ત્યાં ઓસરીમાં મૂકેલા
ખાલી બેડાં મહીં છલકતી ને દીવાલે અધૂરાં
છાયાચિત્રો મધુર રચતી ચાંદની સાવ ચોખ્ખાં.

શેરીમાં જે જલ ટપકતાં નેવલાં એક એક
ટીંપે ટીંપે અવ ટપકતાં ચાંદની શ્વેત શ્વેત !

રસ્તે વ્હેતાં જલ પ્રબલમાં શી નિહાળું તણાતી
ગાત્રો ઢાળી શિથિલ, નમણી શ્રાવણી પૂર્ણિમાને !
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૩)